એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચ (NEW) એ સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો અંગેનો અહેવાલ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર સંસદના 763 સાંસદોમાંથી 306 વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાયેલા છે. જેમાંથી 194 સાંસદો સામે હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલાઓ પર અત્યાચાર જેવા ગંભીર કેસ છે.
આ ડેટા સાંસદોના એફિડેવિટના વિશ્લેષણમાંથી કાઢવામાં આવ્યો છે. છેલ્લી ચૂંટણી લડતા પહેલા સાંસદો દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાંથી ડેટા કાઢવામાં આવ્યો છે.
એફિડેવિટમાં ફોજદારી કેસ જાહેર કરનારા સાંસદોની યાદીમાં કેરળ ટોચ પર છે. અહીં 73% સાંસદો સામે કેસ નોંધાયેલા છે. આ પછી બિહાર, મહારાષ્ટ્ર અને તેલંગાણા છે. ઉત્તર પ્રદેશના 37 ટકા સાંસદો સામે કેસ નોંધાયેલા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના 385માંથી 139 સાંસદો, કોંગ્રેસના 81માંથી 43 સાંસદો, તૃણમૂલના 36માંથી 14 સાંસદો પર ગુનાહિત કેસ છે. શિવસેનાના 9માંથી 7 સાંસદો અને NCPના 8માંથી 3 સાંસદો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
લોકસભા અને રાજ્યસભાના સાંસદ દીઠ સરેરાશ સંપત્તિ 38.33 કરોડ રૂપિયા છે. 53 અબજોપતિ છે. ઘોષિત ફોજદારી કેસ ધરાવતા સાંસદોની સરેરાશ સંપત્તિ 50.03 કરોડ રૂપિયા છે, જ્યારે ફોજદારી કેસ વિનાના સાંસદોની સરેરાશ સંપત્તિ 30.50 કરોડ રૂપિયા છે.
ચાર લોકસભા બેઠકો અને એક રાજ્યસભા બેઠક ખાલી છે અને જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકો અનિર્ણિત છે. એક લોકસભા સાંસદ અને 3 રાજ્યસભા સાંસદો પાસે એફિડેવિટ નથી, તેથી તેમને રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યા નથી.