રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સાંજે 8.30 વાગ્યા આસપાસ એક ઘાયલ યુવાનને મનપાની ઢોર પકડ પાર્ટી અને વિજિલન્સનો સ્ટાફ લઈને આવ્યો હતો. યુવાનની સારવાર શરૂ થઈ ત્યાં તેણે આક્ષેપ કર્યા કે ઢોર પકડ પાર્ટીએ તેના વાહનને પાછળથી અડફેટે લઈ ફંગોળી દીધો અને બાદમાં માર માર્યો. બીજી તરફ આ આક્ષેપના જવાબમાં ઢોર પકડ પાર્ટીએ કહ્યું હતું કે તે યુવાન ગાયો હાંકવા ગયો અને તેમાં વાહન સ્લીપ થતા પડી ગયો અને માનવતા ખાતર હોસ્પિટલ લઈને આવ્યા છે.
આલા ધોળકિયા નામના યુવાનને દાખલ થયા બાદ કેટલાક પશુપાલકો તક જોઈને ટોળા ભેગા કરી મનપાની ઢોર પકડ ઝુંબેશ સામે મોરચો માંડીને બેઠા છે. ઘટના અગે આલાએ સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવ્યું છે કે તે અક્ષરનગર ગાંધીગ્રામમાં રહે છે અને બજરંગવાડી પાસે પોતાના સ્કૂટર પર જતો હતો ત્યારે મનપાના અજાણ્યા સ્ટાફે પાછળથી વાહન ઠોકરે લઈ પછાડી કોઇ વસ્તુ સાથે માર માર્યો હતો. જો કે તે ક્યાં જઈ રહ્યો હતો તે મામલે આગેવાનોને પૂછતા ગાયો હાંકવાનુ જાણવા મળ્યુ હતું.
બીજી તરફ આ મામલે મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારી ડો. જાકાસણિયાએ જણાવ્યું હતું કે શિતલ પાર્ક મેઇન રોડ પર એરપોર્ટની પાછળ રખડતા પશુઓની ખુબ ફરિયાદ છે અને સ્ટાફ ત્યાં જાય એટલે કેટલાક શખ્સો વાહન લઈને ગાયો હાંકીને ભગાડી દેતા હોય છે. આવી જ પેરવી યુવાન કરી રહ્યો હતો તેવામાં સ્ટાફ પહોંચતા તે ગભરાઈને ભાગ્યો હતો તેમાં તેનું સ્કૂટર સ્લીપ થતા પડી ગયો હતો.
સ્ટાફ ઊભો કરે ત્યાં તે ફરી ભાગ્યો અને જેથી રોડ પર અન્ય મહિલા સ્કૂટરચાલક સાથે અથડાયો હતો. આ રીતે ઘાયલ થતા સ્ટાફે માનવતા ખાતર તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.વિજીલિન્સની ટીમે યુવાન સામે ફરજ રૂકાવટની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે.