નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.
અકસ્માતની આ ઘટનામાં અકસ્માત બાદ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી ડ્રાઇવરની હોસ્પિટલમાં સારવાર શરૂ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, આ ખાનગી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સવ જોઇને વલસાડ પરત આવી રહી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર વલસાડ થઇને ભરૂચ જઇ રહી હતી. ત્યારે એકાએક આ કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઇડ જતી રહી હતી. જ્યાં તે કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઇ. અને બાદ કારમાં સવાર તમામે તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. આ તમામ લોકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડનાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે. પોતાની કંપનીના સ્ટાફની સગાઈમાં શુક્રવારે સવારે વલસાડ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો.
મૃતકોનાં નામ
- નીતિન ઘનશ્યામ પાટીલ (ઉં. 30), ભરૂચ, ફોર્ચ્યુનરનો ડ્રાઈવર
- જયદીપ કાંતિભાઈ પેથાણી (ઉં. 25), ભાદાજાળિયા, ધોરાજી, રાજકોટ
- જયદીપ કાળુભાઇ ગોધાણી (ઉં. 24), નાની પીડાખાઈ, વિસાવદર, જૂનાગઢ (પરિણીત)
- ધર્મેશ પ્રકાશભાઈ શેલડિયા (ઉં. 24), ગુંદાળા, રાજકોટ
- જગદીશ રસિકભાઈ દૂધાત (ઉં. 35), પ્રજવિલા બંગલો, અંકલેશ્વર, ભરૂચ (પરિણીત)
- મયૂરકુમાર ધીરુભાઈ વવૈયા (ઉં. 23), ચોરા પાસે, ઝાંઝેછર, જાંબુડા, જૂનાગઢ
- નવનીત મોહનભાઈ ભદીચદરા (ઉં. 39), નાયવરનગર, નાના વરાછા, સુરત
- પ્રજ્ઞેશ રણછોડ વેકરિયા (ઉં. 23), પાણીની ટાંકી, રબાકિયા, રાજકોટ(પરિણીત)
- ગણેશ મોરારભાઇ ટંડેલ, રામનગર, કોલક ગામ, વલસાડ (લક્ઝરી બસનો મુસાફર)