કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો રિપોર્ટ તૈયાર કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર હારનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપશે. વિધાનસભા ચૂંટણીની હાર બાદ કોંગ્રેસની સમિક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ઝોન પ્રમાણે વિધાનસભાના ઉમેદવારો અને ધારાસભ્યો સાથે ચર્ચા બાદ કોંગ્રેસની હારના કારણો સામે આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું કે, કોંગ્રેસનું નબળું સંગઠન અને બુથ સ્તરનું અણઘડ આયોજન હાર માટે જવાબદાર હતું. સાથે જ આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના કમીટેડ મતમાં થયેલુ વિભાજન, ઉમેદવારો જાહેર કરવામાં થયેલો વિલંબ અને પ્રચારના ઓછા સમયને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીમાં પાણીની જેમ વહેડાવેલ રૂપિયા અને સરકારી મશીનરનો બેફામ દૂરૂપયોગ થયાનો પણ કારણ રજૂ કર્યું છે.
સમિક્ષા બેઠકમાં હારના કારણોની ચર્ચા
મહત્વનું છે કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હંમેશાથી મજબૂત વિપક્ષ તરીકે રહેતી. ગોધરા સમયે પણ કોંગ્રેસે 50થી વધુ બેઠકો જાળવી રાખી હતી. આદિવાસી, લઘુમતિ તથા દલીત વિસ્તારો તથા અન્ય જાતિ અને શહેરોમાં પણ હંમેશાથી કોંગ્રેસના કમિટેડ વોટર્સ રહ્યા છે. અને એટલે દર વખતે એવરેજ 40 ટકા આસપાસ કોંગ્રેસના પક્ષમાં મતદાન થતુ હતુ. જોકે તેમાં પણ 2017માં તો કોંગ્રેસે સૌથી વધુ 77 સીટો જીતી હતી. એક સમયે સત્તાની ખુબ નજીક લાગી રહ્યુ હતુ કોંગ્રેસ પરંતુ તેવું કંઈ જ આ વખતે ના જોવા મળ્યુ. આ વખતે કોંગ્રેસ એક્સ્ટ્રા વોટ તો ઠીક પરંતુ પોતાના કમિટેડ વોટર્સને પણ ના સાચવી શકી. પરિણામે કોંગ્રેસના વળતા પાણી થયા.