નવસારીઃ વર્ષ 2022ના અંતિમ દિવસ એટલે કે 31 ફર્ટ્સના વહેલી સવારે નવસારી પાસે કાર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જોકે, હવે ફરીથી નવસારીમાં કાર અકસ્માત સર્જાયો હતો. સ્કોડા કાર પાંચ પલટી મારી ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે અથડાતા કારનો ભુક્કો બોલી ગયો હતો. છતાં કારમાં સવાર પારેખ પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે નવસારીમાંથી પસાર થતાં 50 કિમી લાંબા નેશનલ હાઇવે નં. 48 પર રણોદ્રાથી વેસ્મા નજીકનો વિસ્તાર અક્સ્માત ઝોન બની રહ્યો છે.
મળતી માહિતી પ્રમાણે નવસારીના શશીકાંત પારેખ અને તેમનો પરિવાર બે દિવસ અગાઉ રાજકોટ ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી તેઓ નવસારી પરત ફરી રહ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે નવસારીના રણોદ્રા પાટિયા પાસે પ્રતિ કલાક 80 કિમીની ઝડપે દોડતી તેમની સ્કોડા કાર ચલવતા તેમના દિકરાએ સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી ખાઈ ગઇ હતી. પાંચ પલટી મારી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર ટ્રક સાથે ભટકાઈ હતી.
આ ગોઝારા અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો. પરંતુ કારમાં સવાર શશીકાંત પારેખના પરિવારના પાંચેય સભ્યોનો ચમત્કારિક બચાવ થયો હતો. પારેખ પરિવારને સામાન્ય ઈજા થતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને નવા જીવન માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
નેશનલ હાઇવે નં. 48 પર રણોદ્રા પાટિયાથી પરથાણ ગામ સુધીનો વિસ્તાર અક્સ્માત ઝોન બની રહ્યો છે. આજે સવારથી સાંજ સુધીમાં આ વિસ્તારમાં ત્રણ અકસ્માતો નોંધાઈ ચુક્યા છે, જેમાં 6 થી વધુ લોકો ઘાયલ થયા હતા. અકસ્માત થવા પાછળ નિષ્ણાતો રોડ એન્જિનિયરિંગમાં ક્ષતિ, વધુ પડતા અને નાના કટ, નશો કરીને વાહન ચલાવવું, ઓવરટેક તેમજ આરામ કર્યા વિના સતત વાહન ચલાવતા રહેવુ જેવા કારણોને માને છે.
નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નં. 48 પર ગત વર્ષ દરમિયાન 52 થી વધુ અકસ્માતોમાં 65 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે અક્સ્માત અટકાવવા રણોદ્રાથી વેસ્મા આસપાસના વિસ્તારને બ્લેક ઝોન જાહેર કરવા તંત્ર વિચાર કરી રહ્યુ છે.