31 ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી દારૂનો જથ્થો ઘૂસતો અટકાવવા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.દાહોદની ધાવડિયા સહિત 14 ચેકપોસ્ટ પર દિવસ-રાત સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદના જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં નશાનો સામાન ઘૂસતો અટકાવવા એક્શનમાં આવ્યા છે. તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં દારૂબંધીના લીરેલીરો ઉડ્યા છે અને નાયબ મામલતદાર પોતે જ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જોકે પોલીસ પરિવાર આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
મહીસાગર જિલ્લામાંથી સરકાર અને પોલીસ તંત્રને પડકાર ફેંકતો વીડિયો સામે આવ્યો છે.સરકારી કર્મચારી બાદ હવે નાયબ મામલતદાર દારૂની મહેફિલ માણતા નજરે પડયા છે…રાકેશ પરમાર નામના અધિકારી હાથમાં દારૂનો ગ્લાસ લઈને પાર્ટી કરતા જોવા મળ્યા હતા.મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે.વીડિયોમાં તેઓ હાથમાં દારૂનો ગ્લાસ પકડીને બોલી રહ્યા છે કે, ‘હું એવો સાહેબ છું કે પીધેલો હોયને જે બોલું, તે જ આવતીકાલે બોલીશ. દારૂ પીતા વીડિયોને લઈ સરકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે અને નશોખોર સરકારી બાબુ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની લોકોમાં માગ ઉઠી છે. તો અહીં વાયરલ વીડિયો અંગે અનેક સવાલ ઉભા થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીનો અમલ કયારે થશે?
થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ગુજરાતની વિવિધ બોર્ડર પરથી રાજ્યમાં મોટા પાયે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.અરવલ્લીમાં શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર પોલીસની વિવિધ ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.રાજસ્થાનથી ગુજરાત આવી રહેલા લોકોની બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ થઇ રહી છે. જિલ્લાની 6થી વધુ ચેકપોસ્ટ પર ડીવાયએસપી અને પીઆઇ સહિત કુલ 100થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો બોર્ડર પર તૈનાત છે.બીજી તરફ જિલ્લાના આંતરિક રસ્તાઓ પર પણ ચેકપોસ્ટ બનાવવામાં આવ્યા છે.