બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ તેજ થયો છે. 27 વર્ષથી શાસનથી અળગી રહેલી કોંગ્રેસ પણ એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસ ઓબીસી મુખ્યપ્રધાન અને ત્રણ નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જેને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસના પ્રચારનો મોરચો હાલ મલ્લિકાઅર્જુન ખડગેએ સંભાળ્યો છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં કોંગ્રેસ ઓબીસી નેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે તેવી માહિતી સોશિયલ મીડિયામાં ચાલી રહી હતી. જો કે ઓબીસી CM અંગેની ચર્ચાને લઇને કોંગ્રેસના પ્રદેશ પમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યુ છે. જગદીશ ઠાકોરે જણાવ્યુ છે કે એવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. લોકશાહીમાં જેના માથા વધારે અને જેનું જનસમર્થન વધારે મળે તેના સીએમ બની શકે. સરકાર બનાવવામાં જે સમાજ સાથ આપે એના મુખ્યપ્રધાન બને તો વાંધો નહીં. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો ઓબીસી મુખ્યપ્રધાનની ચર્ચા કરે તેમાં કંઈ ખોટું પણ નથી.. જગદીશ ઠાકોરે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસ 125થી વધારે બેઠકો પર જીત મેળવીને સરકાર બનાવવા જઈ રહી છે.
ગઇકાલે સોશિયલ મીડિયામાં કોંગ્રેસ ઓબીસી નેતાને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે તેવી ચર્ચા હતી. ખાસ તો કોંગ્રેસ OBC મુખ્યપ્રધાન અને અન્ય 3 નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યૂલા ઉપર કામ કરી રહી હોવાની માહિતી હતી અને કોંગ્રેસ પક્ષ દ્વારા 5 ડિસેમ્બર પહેલા જ આ જાહેરાત કરે તેવી માહિતી હતી. કારણ કે બીજા તબક્કામાં ઓબીસી મતદારોની સંખ્યા વધુ છે.
મહત્વનું છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયું ત્યારે પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યું હતું કે અમે 89 માંથી 55 બેઠકો જીતીશું. તો કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે ભાજપ હારી રહ્યું છે એના કારણે વડાપ્રધાને અમદાવાદમાં રોડ શો કરવા પડે છે અને આદિવાસી વિસ્તારમાં ઊંચું મતદાન ભાજપના સૂપડા સાફ થઈ જશે તેવી પરિસ્થિતિ દર્શાવી રહ્યું છે. તેમજ તેમણે દાવો કર્યો હતો કે શહેરી વિસ્તારમાં જ્યાં કોંગ્રેસ નબળું છે ત્યાં પણ અમારા તરફી મતદાન થયું છે.