દેવનગરી દ્વારકામાં ફરજ બજાવતા પીઆઇ ખુશ્બુ જાની પટેલ પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. ખુશ્બુ જાની પટેલ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને પ્રથમ પ્રયાસમાં જ પીઆઇ બન્યા હતા. જીપીએસસીમાં પીઆઇની પરીક્ષામાં તેમણે 63મો રેન્ક મળ્યો હતો. ખુશ્બુ જાની પટેલ તેમના વતન બાવળામાં પણ પીઆઇ તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
ખુશ્બુ જાનીએ કોમ્પ્યૂટર એન્જીનિયરિંગ, ગાંધીનગરથી કર્યુ છે અને તે પછી હ્યૂમન રિસોર્સ મેનેજમેન્ટમાં એમબીએ કર્યુ છે. તે પછી ખુશ્બુ પટેલે તલાટીની પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા પાસ કર્યા બાદ દોઢ વર્ષ સુધી તલાટી તરીકે ફરજ બજાવી હતી. તે પછી ખુશ્બુ જાનીએ જીપીએસસીમાં પીઆઇની પરીક્ષા આપી હતી.
પોતાના રસ વિશે જણાવતા પીઆઇ ખુશ્બુ જાની પટેલ કહે છે કે, પહેલાથી જ યૂનિફોર્મ જોબમાં રસ હતો અને આ સિવાય પણ ઘણા અનુભવ હોય છે કે મારે પણ પીઆઇ સર્કલમાં તો જવુ જ છે. એક વખત કોઇક જગ્યાએ જતા હતા તો પોલીસ પણ લોકોની મદદ કરતી હતી. તે પછી લાગ્યુ કે હું પણ પોલીસ કર્મચારી બનીને કઇક કરી શકુ છું.
પીઆઇ બનવા માટે કેવો માઇન્ડસેટ હોવો જોઇએ?
જે પણ વિદ્યાર્થી પોલીસ લાઇનમાં આવવા માંગતા હોય તો તેમણે પોઝિટિવ એટીટ્યૂડ રાખવો જોઇએ ક્યારેય નેગેટિવિટી નહી રાખવી જોઇએ. જ્યારે પણ તૈયારી કરતા હોવ છો ત્યારે ઘણા લોકો કહેતા હોય છે કે આમાં તો પાસ નહી થઇ શકાય, આમાં તો ઘણી ઓછી જગ્યા છે, તો તમને કેવી રીતે તક મળશે. આવા માઇન્ડસેટથી થોડુ દૂર રહેવુ જોઇએ. હંમેશા એવુ જ વિચારવાનું કે જેટલી જગ્યા છે તેમાંથી એક સીટ તો મારી જ છે. દ્રઢ નિશ્ચય અને કોન્ફિડન્સ સાથે મહેનત કરવાની, જે માણસ પહેલાથી જ હાર માની લે છે તે ક્યારેય પાસ થતો નથી અને જીવનમાં જીતી શકતો નથી.
મહિલા પોલીસ લાઇનમાં આવતા કેમ ડરે છે?
મહિલાઓના પોલીસમાં ભરતી વિશે ખુશ્બુ જાની પટેલ કહે છે, પોલીસ ખાતુ છે તે મેન્સ ડોમિનેટેડ છે એમ માનવામાં આવે છે પરંતુ હવે તે વાત ધીમે ધીમે દૂર થઇ રહી છે. વર્કલાઇન વધારે હોય છે જેને કારણે તમે ફેમિલીને ટાઇમ આપી નથી શકતા. ઓફિસર માત્ર ઓફિસર હોય છે તેમાં મેઇલ ફિમેઇલનું કઇ લેવા દેવા નથી હોતું. ચેલેન્જ લેવા માટે હવે મહિલાઓ પણ આગળ આવી રહી છે.
કોવિડ દરમિયાન કરી સારી કામગીરી
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામે લડવા અને ગુજરાતની જનતાની સલામતી માટે દેવનગરી દ્વારકાના પીઆઇ ખુશ્બુ જાની પટેલે સારી કામગીરી કરી હતી. કોવિડ-19 દરમિયાન દેવનગરી દ્વારકાના પીઆઇ ખુશ્બુ જાનીને સારી કામગીરી કરવા બદલ હ્યૂમન રાઇટ્સ પ્રોટેક્શન બ્યુરો તરફથી સર્ટિફિકેટ આપીને સમ્માનિત પણ કરવામાં આવ્યા હતા.