રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચૂંટણીની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ભાવનગરના પ્રવાસે આવશે અને ભાવનગરમાં સમૂહલગ્નના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ભાવનગર ખાતે જવાહર મેદાનમાં 552 દીકરીઓના સમૂહલગ્ન યોજાઈ રહ્યા છે. આ એવી દીકરીઓ છે જે માતા પિતાની છત્રછાયા ગુમાવી ચૂકી છે. આ સમૂહ લગ્નનું નામ ‘પાપાની પરી’ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીની સાથે સાથે આ સમૂહલગ્નમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના સહિત સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મહત્વનું છે કે, ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા પિતાવિહોણી કન્યાઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં દીકરીઓને અંદાજે રૂપિયા બે લાખ ઉપરાંતનો કરીયાવર જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ આપવામાં આવશે. ઉદ્યોગપતિ સુરેશ લખાણી અને મોટાભાઈ સહિતના પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાઓનો સુંદર શમિયાણો ચલાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આર્થિક રીતે પછાત તથા માતા-પિતા વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રત સમાજમાં પોતાની જવાબદારી બખૂબી નિભાવી રહ્યાં છે.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી ડિસેમ્બરમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાશે તેમજ 8 ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. ત્યારે હવે વિવિધ રાજકીય નતાઓ તેમજ પ્રધાનમંત્રી ગુજરાતમાં અવાર નવાર ચૂંટણી સભાઓ ગજવી શકે છે.